છીંકનાં શુભ - અશુભ ફળ
- તિજોરીમાં ધન મૂકતી વખતે છીંક આવે તો સમજવું કે તે દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહેશે
છીંક એક સ્વાભાવિક પ્રક્રિયા છે. સ્વાસ્થ્ય વિજ્ઞાન અનુસાર છીંક આવવી તે સારાં સ્વાસ્થ્યની નિશાની છે. શરદી થઈ હોય ત્યારે આવતી છીંક હેરાન-પરેશાન કરી મૂકે છે. જોકે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર છીંક શુભ તથા અશુભની જાણકારી પહેલાંથી જ આપી દે છે. જો છીંકના પ્રકાર પર ધ્યાન આપવામાં આવે અને ત્યારબાદ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ આશ્ચર્યચકિત કરનારું હોય છે. જાણીએ છીંકોના પ્રકાર અને તેની શુભ-અશુભ અસરો...
જો ચિકિત્સક કે ડૉક્ટર દર્દીને તપાસતી વખતે છીંક ખાય તો સમજી લો કે દર્દી જલદીથી સ્વસ્થ થઈ જશે.
ઘરમાં કોઈ બીમાર હોય અને તેને તપાસવા માટે ડૉક્ટરને બોલાવવા કોઈ જઈ રહ્યું હોય અને તેને રસ્તામાં છીક આવે તો તેને મહાઅશુભ માનવામાં આવે છે.
અભ્યાસ કે અધ્યયન કરતી વખતે અથવા ઔષધિનું સેવન કરતી વખતે છીંક આવે તો તે વ્યક્તિ વિદ્વાન બને છે તથા ઉચ્ચ પદને પ્રાપ્ત કરશે. જો કોઈ રોગ હશે તો તે જલદી રોગમુક્ત થઈ જશે.
વ્યાપાર આરંભ કરો અને તરત જ છીંક આવે તો સમજી લો કે વ્યાપારમાં ઉન્નતિ થવાની છે તથા વેપારી ટૂંક સમયમાં જ ધનાઢ્ય થવાનો છે.
પથારીમાં સૂવા જતા પહેલાં છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે. સેક્સક્રિયા પહેલાં આવનારી છીંકને સંતુષ્ટિદાયક માનવામાં આવે છે, પરંતુ તે દરમિયાન આવનારી છીંકને અસ્વસ્થ કરનારી માનવામાં આવે છે.
કોઈ કાર્યને સંપન્ન કે પૂરું કરવા માટે જતી વખતે જો છીંક આવે તો સમજી લો કે એ કાર્ય સંપન્ન થવાનું નથી. આથી થોડોક સમય રહીને બેસીને પછી જ નીકળો.
નક્કી કરેલા સ્થાન પર પહોંચો ત્યારે જો છીંક આવે તો તે અશુભ છે, પરંતુ બરાબર તે જ વખતે તરત જ કોઈ સામે છીંકે તો તે શુભ હોય છે.
દેવતાની પૂજા કરતી વખતે છીંક આવવી હાનિકારક છે. શાસ્ત્રાનુસાર આસન, શયન, ભોજન પહેલાં ઔષધિનું સેવન કરતી વખતે અથવા વિદ્યારંભ વખતની છીંક શુભકારક હોય છે.
કોઈ મહેમાનના ઘરમાં પહોંચતા જ જો ઘરના માલિકને છીંક આવે તો તે મહેમાન ત્યાં ઘણા દિવસો સુધી રોકાઈ શકે છે.
તિજોરીમાં ધન મૂકતી વખતે છીંક આવી જાય તો સમજવું જોઈએ કે તે દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહેશે. કોઈને ઉધાર આપતી વખતે જો છીંક આવે તો સમજવું જોઈએ કે તે નાણાં તરત પાછાં મળવાનાં નથી.
આ પ્રમાણે શાસ્ત્રોમાં છીંકનાં અનેક શુભ-અશુભ ફળ મળે છે. છીંકના અશુભ દોષોના નિવારણ માટે જે કરતા પહેલાં છીંક આવી હતી તે કામ થોડો સમય રોકાયા પછી જ શરૂ કરવું જોઈએ. પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન કે સ્મરણ કરવાથી અશુભ દોષ દૂર થઈ જાય છે.